પાટીદાર યુવાનના આપઘાત પ્રકરણમાં અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહ નિર્દોષ, પોલીસ તટસ્થ તપાસ કરે: પી.ટી.જાડેજા

મૂળ અમરેલીની અને રાજકોટની યુવતી પર દુષ્કર્મ કેસમાં પાટીદાર યુવાન અમિત ખૂંટે આપઘાત કરી લીધો અને સ્યુસાઈડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનુ નામ લખ્યું હતું. જેમાં મૃતક યુવાનની તરફેણમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની આગેવાનીમાં મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જોકે, SIT તપાસની બાંહેધરી આપવામાં આવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે રીબડાથી મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને લોકો રાજકોટ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી સમગ્ર મામલામાં તટસ્થ તપાસ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.

રીબડા ગામના આગેવાન મનસુખભાઈએ જણાવ્યું હતું કે, અમે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે જે આક્ષેપો થયા છે તે તદન પાયાવિહોણા છે. જેથી અનિરુદ્ધસિંહના સમર્થનમાં આજે રેલી કાઢી કલેકટરને આવેદન આપવા આવ્યા છીએ.

જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ જિલ્લામાં એકત્ર થયા છીએ. અનિરુદ્ધસિંહ સામે જે ગુનો દાખલ થયો છે તેમાં તટસ્થ તપાસ થાય, પોલીસ તપાસ કરી રહી છે. યુવતીના દુષ્કર્મ અંગે પણ મેડિકલ ચેકઅપ થવું જોઈએ. જે ફરિયાદ સાચી છે કે ખોટી તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. જેથી, આજે કલેકટરને આવેદન આપવા માટે આવ્યા છીએ. ગુનેગાર હોય તો સો ટકા સજા થવી જોઈએ અમે કોઈનો બચાવ કરવા માટે આવ્યા નથી. સ્યુસાઈડ નોટમાં અલગ-અલગ અક્ષરો હોવાનું અમને જાણવા મળ્યું છે. અમિત ખૂંટે દુષ્કર્મ ન કર્યુ હોય તો સામે આવવું જોઈતું હતુ. આ પ્રકારનું આત્મહત્યાનું પગલું ભરવું ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *