તાજેતરમાં જ જેટકો દ્વારા PA (પ્લાન્ટ એટેન્ડન્ટ)-1ની ભરતી પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ આ પરીક્ષા સામે જેટકોના જ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ભરતી બહારથી કરવાને બદલે જેટકોમાં જ કામ કરતા અને આ ભરતીની જ લાયકાત ધરાવતા કર્મચારીઓને આ ભરતીમાં સીધો લાભ આપી પ્રોત્સાહન આપવા માટે કર્મચારીઓએ જીયુવીએનએલના એમ.ડી, જેટકોના એમ.ડી અને એચ.આર સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે થોડા સમય પહેલા આપણા ખાતા દ્વારા PA (પ્લાન્ટ એટેન્ડન્ટ)-1ની ભરતી બહારથી પરીક્ષા લઈ યોજાઇ. જેની લાયકાત ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ હતી. આપણા જેટકો કંપનીમાં પણ ઘણા નાના કર્મચારી છે કે જે ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલની લાયકાત માન્ય યુનિવર્સિટી જેવી કે GTU & TEBમાંથી ધરાવે છે. જે લાયકાત PA-1 માટે માંગી હતી તે નાના કર્મચારી પણ ધરાવે છે અને હાલમાં ઘણા સમયથી ચાર્જમાં ચલાવીએ છે. તો ઉપરોક્ત પોસ્ટ માટે એવા નાના કર્મચારીઓને ચાન્સ આપવામાં આવે એવી માંગણી છે.
આ વિષય માટે થોડું વિચારીને હાલમાં જે PA-1ની ભરતી છે તેમા જો થોડી બાંધછોડ અથવા પ્રોબેશન સમય રાખીને ઉપરોક્ત PA-1ની જગ્યા માટે જેટકોના નાના કર્મચારીને પ્રોત્સાહન આપી આગળ વધારો અને પ્રોબેશન સમય આપીને યોગ્ય કરી શકાય જેથી જેટકોને અનુભવી કર્મચારીનો લાભ મળશે તેવી આશા સાથે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.