સપાના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, રાણા સાંગા ગદ્દાર હતા અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારતમાં લાવ્યા હતા. જેને લઇને આજે (1 એપ્રિલ) રાજકોટ બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતુ.
અહીં ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે, જેમણે 80 ઘા સહન કર્યા હતા, એક આંખ અને પગ નહોંતા છતાં પણ તે વીર યોદ્ધા દેશ માટે લડ્યો હતો. તેમના માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો તે તમારી ગરિમાને લજવે છે. હાલ જિલ્લાકક્ષાએ આવેદન બાદ સમિતિ દ્વારા આગળની રણનીતિ નક્કી કરશે અને કોઇપણ સમાજ અંગે ટિપ્પણી કરનારા સામે કડક કાયદો ઘડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
સમિતિ આગળની રણનીતિ નક્કી કરશેઃ પી. ટી. જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાએ જણાવ્યું હતુ કે, રાણા સાંગા વિશે સંસદમાં ટીપણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદને ઇતિહાસનુ જ્ઞાન નથી. જો જ્ઞાન હોય તો આ પ્રકારની ટિપ્પણી કરે નહીં. ભારત સરકારમાં પણ અમે રજૂઆત કરશું કે કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરનારા સામે પગલાં લઈ શકાય તે પ્રકારનો કાયદો બનાવવો જોઈએ. અમે આ બાબતે આજે રાજકોટ કલેકટરને આવેદન આપ્યું છે. રાજકોટ અને ગુજરાતથી શરૂ થયેલ આંદોલન ભારતભરમાં ચાલશે. હાલ અમે જિલ્લા કક્ષાએ આવેદન આપી રહ્યા છીએ અને ત્યારબાદ જો ન્યાય નહીં મળે તો અમારી સમિતિ આગળની રણનીતિ નક્કી કરશે.