રાજકોટની મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઈ હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ સાંજના સમયે મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આંધ્રપ્રદેશની એક સગીર વયની બી.ટેક. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિની દ્વારા પોતાની જ સગીર વયની રૂમમેટ નાહતી હોય એ પ્રકારનો વીડિયો બનાવી પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી સમગ્ર મામલે ભોગ બનનારી યુવતીને પણ પોતાનો વીડિયો વાઇરલ થયો હોવાની જાણ થઈ હતી. સમગ્ર મામલે ભોગ બનનાર સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાનો વીડિયો ઉતારનાર રૂમમેટને માર માર્યો હતો તેમજ એ બાબતનો વીડિયો પણ મોબાઈલ ફોનમાં કેદ કરવામાં આવ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા ડિસિપ્લિનરી એક્શન કમિટી બનાવવામાં આવી છે, જોકે આંધ્રપ્રદેશથી બન્ને વિદ્યાર્થિનીના વાલી આવ્યા બાદ પોલીસ ફરિયાદ બાબતે નિર્ણય લેવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટીના જોઈન્ટ રજિસ્ટ્રાર પિન્ટો મામને જણાવ્યું હતું કે બી.ટેક.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશની એક વિદ્યાર્થિનીનો અન્ય વિદ્યાર્થિની સાથે ઝઘડો થયાના મામલે કુવાડવા પોલીસ આવી હતી અને વિદ્યાર્થિનીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીનો નાહતા સમયનો કોઈ વીડિયો મોબાઈલમાં મળ્યો નથી. બન્ને વિદ્યાર્થિની સગીર છે, જેથી યુનિવર્સિટીએ કમિટી રચી છે અને બન્ને વિદ્યાર્થિનીના વાલીને આંધ્રપ્રદેશથી બોલાવવામાં આવ્યા છે. તેઓ આવ્યા બાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.