એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત ‘કામ ડાઉન’ ફૅમ સિંગર રેમા તથા સ્પેનિશ સોંગ ‘ડેસ્પેસીટો’ ફૅમ લૂઇસ ફોન્સી લગ્નમાં પર્ફોર્મ કરવાનાં છે. સિંગર રીમાને અંબાણી પરિવારે પર્ફોર્મ કરવાના 25 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે. ‘આઉટલુક’ના અહેવાલ પ્રમાણે, અનંત-રાધિકાનાં લગ્ન પાછળ અંબાણી પરિવારે અંદાજે ચારથી પાંચ હજાર કરોડ ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે લગ્નમાં સામેલ થઈ શકશે નહીં.
જાન બપોરે 3 વાગ્યે મુંબઈના BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્થિત જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આવશે. સૌપ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવશે. ત્યાર બાદ સામૈયું, પછી 8 વાગ્યે અનંત-રાધિકા એકબીજાને વરમાળા પહેરાવશે. રાત્રે 9.30 વાગ્યે અનંત-રાધિકા સાત ફેરા ફરશે.