શહેરની ભાગોળે લક્ષ્મીના ઢોરા પાસે રહેતા વૃદ્ધ પર પાડોશમાં રહેતા તેના કૌટુંબિક ભાણેજ સહિત ચાર શખ્સે હુમલો કર્યો હતો. પ્રૌઢે તેના ઘર નજીકનો સરકારી ખરાબો વાળી લીધો હતો અને તેમાં પાણી ભરાતું હોય જે મુદ્દે ભાણેજે બોલાચાલી કરી હુુમલો કર્યો હતો. લક્ષ્મીના ઢોરા પાસે રહેતા નથુભાઇ પમાભાઇ મૂછડિયાએ યુનિ.પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે તેની પાડોશમાં રહેતા તેના કૌટુંબિક ભાણેજ આશિષ અમુ ચૌહાણ, રાજુ અમુ ચૌહાણ, મંજુ અમુ ચૌહાણ અને રીટા રાજુ ચૌહાણના નામ આપ્યા હતા. નથુભાઇ મૂછડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્ની હયાત નથી તેમને સંતાનમાં બે પુત્ર છે.
તા.18ના નથુભાઇ ઘર પાસે આવેલા મંદિરે ગયા હતા ત્યારે તેનો ભાણેજ આશિષ ત્યાં ધસી ગયો હતો અને કહ્યું હતું કે, ખરાબાનો પ્લોટ તમે કેમ વાળી લીધો છે? ત્યાં પાણી ભરાઇ છે અને ચાલવામાં તકલીફ પડે છે. નથુભાઇએ બચાવ કરતા કહ્યું હતું કે, બધાએ જમીન વાળી એટલે મેં પણ વાળી લીધી હતી જેથી આશિષ ઉશ્કેરાયો હતો અને તેણે નથુભાઇને ગાળો ભાંડી હતી. અન્ય આરોપીઓ ધસી ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા નથુભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.