રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામું

રાજકોટનાં TRP ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભુંજાઈ ગયા હતા, જેમાં ફાયર NOC નહીં હોવાને લઇ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલહવાલે કરાયા હતા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મૂકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે. બાદમાં અમદાવાદનાં કલાસ-1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ, તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર NOCની કામગીરી લાંબા સમયથી ઠપ્પ હતી જેને લઈ મ્યુ. કમિશનર દ્વારા કલાસ-3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જો કે, હવે અમિત દવેએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પિરીયડ પર છે.

90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે. રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. અત્યારસુધીમાં 15 જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈપણ અધિકારી જવાબદારી લેવા માગતા નથી.

અમિત દવેએ જણાવ્યું હતું કે, મારી તબિયત સારી ન રહેતી હોવાના કારણે મેં રાજીનામું મૂક્યું છે. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી છે. મારા પિતાનું 15 દિવસ પહેલા અવસાન થયું છે. માતાની તબીયત સારી નથી. પારિવારિક કારણોસર રાજીનામું મૂક્યું છે. સ્ટેશન ઓફિસર તરીકે મારી જવાબદારીમાંથી રાજીનામું મૂક્યું છે. ફાયરના કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે. સ્ટાફની અછત હોવાના કારણે કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે, મને કોઈ રાજકીય પ્રેશર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *