રાજકોટ શહેરમાં પાર્કિંગની સમસ્યા વચ્ચે કોર્પોરેશનનાં પાર્કિંગ હેતુનાં 17 પ્લોટ દબાણગ્રસ્ત હોવાનો તંત્રનો સ્વીકાર

રાજકોટમાં એક તરફ ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા ગંભીર છે. જુદા-જુદા વિસ્તારમાં મોંઘા પે એન્ડ પાર્ક મૂકવામાં આવી રહ્યા છે. બીજી તરફ ટી.પી. સ્કીમ હેઠળ ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં મૂકવામાં આવતા પાર્કિંગ અનામત પ્લોટમાં મોટા પાયે દબાણ હોવાની માહિતી જનરલ બોર્ડમાં ખુદ મનપા તંત્રએ આપી છે. વિપક્ષ નેતા વશરામ સાગઠીયાના પ્રશ્નના જવાબમાં પાર્કિગ હેતુના 70 પૈકી 17 પ્લોટ તો દબાણગ્રસ્ત હોવાનો તંત્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દબાણો વેસ્ટ ઝોનમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વશરામ સાગઠિયાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાએ જુદા-જુદા વિસ્તારોમાં 70 પ્લોટ પાર્કિંગ હેતુ માટે રાખ્યા છે. આ અંગે જનરલ બોર્ડમાં મારા દ્વારા માંગવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ટી.પી. વિભાગના અધિકારીઓએ લેખિતમાં કબુૂલ્યું છે કે, 70 પૈકી 17 પ્લોટ ઉપર દબાણો થઈ ગયા છે તેમજ 17 પ્લોટનો નિકાલ કરવામાં આવ્યો છે પણ તેમાં દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે કે, આવા પ્લોટ ભાજપનાં મળતિયાઓને ફાળવી દેવાયા છે એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેમજ ક્યાં પ્લોટમાં દબાણ છે? તે અંગેની પૂરી વિગતો આપવામાં આવી નથી. જેને લઈ ફરીથી રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય જવાબ નહીં મળે તો કોર્ટમાં જવાની મારી તૈયારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *