ઈરાને ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ ગાઝા પર બોમ્બમારો બંધ નહીં કરે તો અમેરિકા પણ તેનો શિકાર થઈ જશે. ઈરાને કહ્યું હતું કે અમેરિકા ગાઝા અને પેલેસ્ટાઈનમાં નરસંહાર બંધ કરે. હકીકતમાં ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન ગુરુવારે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બ્લીના વિશેષ સત્રમાં ભાગ લીધો હતો.
અહીં પોતાના ભાષણ દરમિયાન અબ્દુલ્લાહિયાને એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે ઇઝરાયલ-હમાસ યુદ્ધ ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. અબ્દુલ્લાહિયાએ કહ્યું- હું અમેરિકાને ચેતવણી આપવા માગું છું કે જો પેલેસ્ટાઈનમાં આવો નરસંહાર ચાલુ રહેશે તો અમેરિકાને પણ બક્ષવામાં નહીં આવે. અમે અમારા વિસ્તાર અને અમારા ઘરની સુરક્ષામાં કોઈ કસર છોડીશું નહીં.
અબ્દુલ્લાયને ભાષણ દરમિયાન કહ્યું હુતં કે હમાસ વાસ્તવમાં પેલેસ્ટાઈનની આઝાદી માટેનું આંદોલન છે. આ દરમિયાન ઈરાનના મંત્રીએ 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને પણ યોગ્ય ઠેરવ્યો હતો. તેમણે કહ્યું- હમાસને પોતાના ક્ષેત્ર માટે લડવાનો પૂરો અધિકાર છે. આ માટે જરૂર પડ્યે હિંસાનો ઉપયોગ કરવો એ ખોટું નથી. ઈરાનના વિદેશમંત્રીએ હમાસના બંધકોની સરખામણી ઇઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટિનિયનો સાથે કરી હતી.