અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અણઘડ આયોજન અને નિષ્ફળતાના કારણે પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા રાણીપ વોર્ડના ડી-કેબિન અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી, હવે ચોમાસા દરમિયાન જાગેલા વોટર-ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા અંડરપાસની ફૂટપાથ તોડીને લાઈન નાખવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત અંડરપાસના ભાગને તોડીને લાઇન નાખવાની આ કામગીરી AMCના પૂર્વ આયોજનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે.
બીજી બાજુ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા રીંગરોડ પાસે આવેલું વસ્ત્રાલ તળાવ છલોછલ ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો થયું હતું. વસ્ત્રાલ તળાવ અને ગાર્ડન બંને જગ્યા પર પાણી ફરી વળ્યા હતા. ગાર્ડનના વોક વે પર પણ પાણી ભરાઈ ગયા હોવાના કારણે ગાર્ડન નાગરિકો માટે બંધ કરવો પડ્યું હતું.
શહેરના ડી-કેબિન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સાથે સંયુક્ત રીતે બનાવવામાં આવેલો આ અંડરપાસ વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા વિનાનો હતો. જેના કારણે ચોમાસા પહેલા પડેલા વરસાદથી જ આખો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો હતો અને ડી-વોટરિંગ પંપથી પાણી કાઢવું પડ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંપિંગ રૂમ બનાવીને કામગીરી કરવાની હતી, પરંતુ પાણીના નિકાલ માટેનું કોઈ આયોજન નહોતું. પરિણામે, હવે પાછળથી જાગેલા વોટર અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ અંડરપાસનું પાણી બહાર કાઢીને કાળીગામ ગરનાળા સુધી જતી લાઇનમાં નાખવાનો નિર્ણય કર્યો છે.