દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનથી 9 કિલોમીટરની સાયકલોથોન યોજાઇ હતી. જોકે આજે રજાનો દિવસ ન હોવાથી સાયકલવીરોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી. 800ના રજીસ્ટ્રેશન સામે માંડ 200 જેટલા સાયકલિસ્ટોએ ભાગ લીધો હોવાનું જોવા મળ્યું હતું અને સાયકલોથોનના રૂટ પરનો ટ્રાફીક પણ સાયકલવીરોને નડ્યો હતો. તો બીજી તરફ મેયર નયનાબેન પેઢડીયાએ મોબાઈલમાં જોઈને સ્પીચ આપી હતી, સાંસદ રામ મોકરિયા ભૂલથી સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિન ઠાકરને બદલે જૂના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમન ઉપાધ્યાયનું નામ બોલી ગયા હતા.
રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યુ હતું કે, રાજકોટ કોર્પોરેશન, રોટરી મીડટાઉન અને સાયકલ ક્લબના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 10 વર્ષથી સાયકલોથોનનું આયોજન કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે, ત્યારે તેને અનુલક્ષીને રાજકોટના રેસકોર્સ મેદાનથી 9 કિલોમીટરની સાયકલોથોનનું આયોજન કરવામા આવ્યું છે. વર્કિંગ ડે હોવાથી બાળકો ન હતા.
લકી ડ્રોમાં 11 સાયકલવીરોને સાયકલ આપવામાં આવી
રાજકોટ સાયકલ ક્લબના દિવ્યેશ અઘેરાએ જણાવ્યું હતું કે, સાયકલોથોનમાં ભાગ લેવા માટે 14થી 70 વર્ષનાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 800 સાયકલિસ્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં લકી ડ્રોમાં 11 સાયકલવીરોને સાયકલ આપવામાં આવી હતી. રાજકોટ સાયકલ ક્લબમાં 160 સભ્યો છે. જેમાંના અમૂક દરરોજ સવાર-સાંજ સાયકલ ચલાવે છે. જ્યારે કેટલાંક લોકો સાયકલ ચલાવીને પોતાના નોકરી કે બિઝનેસના સ્થળે પહોંચે છે.