સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં DMLT (ડિપ્લોમા ઈન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી) ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પેપર ચેકિંગમાં ગોટાળાને લઈને આજે NSUI દ્વારા હલ્લાબોલ કરી કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. 18 કોલેજમાં અભ્યાસ કરતા 288માંથી 46.18 ટકા એટલે કે 133 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 40 ટકા એટલે 114 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયાં છે. 12 ટકા એટલે કે 36 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓના રિઝલ્ટ વિથહેલ્ડ એટલે કે તેમના પ્રોવિઝનલ એલિજિબિલીટી સર્ટીફીકેટ આપવાના બાકી છે. જોકે આ બાબતે કુલપતિ ડો. કમલ ડોડીયા દ્વારા તપાસ કરવામાં આવશે. જોકે NSUIના 90 ટકા વિદ્યાર્થીઓના નાપાસ થવાના આક્ષેપો ખોટા સાબિત થયા હતા. કારણ કે 46 ટકા જેટલા નાપાસ થયા છે. ગત વર્ષે 3 તો આ વર્ષે કોલેજો વધીને 18 થઈ જતાં પરિણામમાં ફેરફાર જોવા મળ્યો છે.
NSUIની રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના DMLT કોર્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ માર્ચ 2024માં વિધાર્થીઓ તેઓની વાર્ષિક પરીક્ષા આપેલી હતી. આ પરીક્ષાના રિઝલ્ટ થોડા સમય પહેલા આપવામાં બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે આ રિઝલ્ટમાં 90%થી વધારે વિધાર્થીઓને થિયરીમાં ફેલ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રેક્ટીકલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ તદ્દન આશ્ચર્યજનક બાબત છે. આ બાબતે પરીક્ષા નિયામક નિલેશ સોનીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, DMLTમાં જનરલ ઇન્ટ્રોડક્શન ટુ બાયો કેમેસ્ટ્રી, હિમેટોલોજી, જનરલ માઇક્રો બાયોલોજી, યુરીન એનાલિસિસ એમ ચાર વિષય આવે છે. જેમાં દરેકના 200 જેમાં 100 થીયેરી, 100 પ્રેક્ટીકલ માર્કનું પેપર હોય છે. જેમાં બંનેમાં 50-50 માર્કસ લેવા જરૂરી છે. વિષય વાઇઝ 10 માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.