રાજસમઢિયાળા ગામમાં આવેલી જલારામ ટ્રસ્ટની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને કોઇ પણ જાતના દેખીતા કારણ વગર તોડી પાડવામાં આવ્યાનો આક્ષેપ કરી જલારામ ઝુંપડી ટ્રસ્ટના ટ્રસ્ટીએ પોલીસ કમિશનરને લેખિત આવેદન આપી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરી છે. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ટ્રસ્ટના બન્ને ટ્રસ્ટીઓ વચ્ચેનો ગજગ્રાહ સામે આવ્યો છે. અને તેમાં જેસીબી સ્વામિ. મંદિરેથી આવ્યું હોવાની બાબતે ચર્ચા જાગી છે.
અરજીમાં જલારામ ઝુંપડી ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિષ્નાબેન કેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે કે તાજેતરમાં સવારે 8.30 કલાકે મારા પુત્ર વિશાલ કેતનભાઇ ત્રિવેદીને પ્રતાપભાઇ ડાંગર કે જેઓ જસદણથી રાજકોટ આવતા હતા ત્યારે તેમણે ફોન કરીને કહ્યું કે રાજ સમઢિયાળા જલારામ બાપાના મંદિર ખાતે જેસીબી ફરી રહ્યું છે અને બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હું પહેલી એપ્રિલથી પાંચ એપ્રિલ સુધી બહારગામ હતી, ઇન્દોર અને ઉજ્જૈન દર્શન કરવા ગઇ હતી આથી રાજકોટમાં હાજર ન હતી એ દરમિયાન મારા પતિ સ્વ. કેતનભાઇ મુકુન્દભાઇ ત્રિવેદી કે જેમણે 2021માં 6 રૂમ બનાવવાનું કામ શરૂ કર્યું હતું તે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું હતું. ત્યાર બાદ મારા પુત્રે અન્ય ટ્રસ્ટી ઉષાબેન ત્રિવેદીને પણ આ અંગે ફોન કરીને પૂછ્યું હતું કે આ બાબતે તમને કોઇ જાણ છે ખરી? ત્યારે તેમણે એવો ઉત્તર વાળ્યો હતો કે અા અંગે અમને કશી જ ખબર નથી. આથી મારા પુત્રે આજીડેમ પોલીસ ચોકીમાં જાણવાજોગ ફરિયાદ પણ કરી હતી, ત્યારે ઉષાબેન ત્રિવેદીએ એવું કહ્યું કે આ બધું મેં પોતે જ કરાવ્યું છે અને જેસીબી રાજકોટના ભૂપન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા મોકલવામાં આવ્યું હતું.
આથી એવું લાગી રહ્યું છે કે ઉષાબેન ત્રિવેદી અને ન્યાલકરણ સ્વામીએ મિલિભગત કરીને જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીને જાણ કર્યા વગર બાંધકામ તોડી પાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આથી આ બાબતે ન્યાય મળે તેવી અરજ છે. ક્રિષ્નાબેને જણાવ્યું હતું કે હું બહારગામ હતી તેમાં પાછળથી આવી ઘટના બની છે.