પૂર્વ ટીપીઓ સાગઠિયા સહિત ચારેય કર્મચારી જેલમાં ધકેલાયા

ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં સંડોવાયેલા મનપાના ટીપીઓ સાગઠિયા, બે એટીપીઓ અને ફાયર સ્ટેશન ઓફિસરના રિમાન્ડ પૂરા થતાં ચારેયને બુધવારે જેલહવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે હજુ પણ આગામી દિવસોમાં એકાદ કર્મચારીની ધરપકડનો નિર્દેશ આપ્યો હતો.

ટીઆરપી ગેમ ઝોનને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ ડિમોલિશન કરવામાં આવ્યું નહોતું અને ગેરકાયદે ચાલતા આ ગેમ ઝોનમાં અાગ લાગતાં 27 લોકોના મૃત્યુ થયા હતા. પોલીસે મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોષી અને મુકેશ મકવાણા તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી ચારેયને રિમાન્ડ પર લીધા હતા. બુધવારે રિમાન્ડ પૂરા થતા ચારેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા હતા. ટીપીઓ મનસુખ સાગઠિયાની પોલીસે ધરપકડ કરી તે સાથે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે સાગઠિયા કોર્ટમાં એક ફાઇલ સાથે હાજર થયો હતો. સાગઠિયા પાસે રહેલી ફાઇલની તપાસ કરાતા સાગઠિયાએ પોતાની લાપરવાહી છુપાવવા ટીપી શાખાના કર્મચારીઓને ધમકાવી સહી લઇને નકલી મિનિટ્સ બુક બનાવી હતી. આ અંગેનો ભાંડાફોડ થતાં તેની સામે અલગથી ગુનો નોંધાયો છે હવે જેલમાંથી કબજો લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *