સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ VCના નામે મદદ માગતાં મેસેજ કરાતા એલર્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કમલસિંહ ડોડિયાના નામે કેટલાક લોકોને મદદ માગતાં મેસેજ આવતા યુનિવર્સિટીએ ચેતવણી જાહેર કરી છે. યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકેલી ચેતવણીમાં દર્શાવાયું છે કે પ્રોફે. (ડૉ.) કમલસિંહ ડોડિયા, વાઈસ-ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે મદદ માગતો મેસેજ લાગતા વળગતાને આવ્યો હોય તેવું જાણમાં આવ્યું છે. આવા મેસેજની મદદથી ‘ફિશર’ દ્વારા ચોક્કસ લિંકના માધ્યમથી કે પછી અન્ય રીતે પાસવર્ડ કે બીજી અંગત માહિતી પડાવી લેવાના પ્રયત્નો કરવામાં આવતા હોય, આવા મેસેજથી સાવચેત રહેવું અને કોઈ પણ પ્રકારની માહિતીનો આપ-લે કરવી નહિ.

અગાઉ પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ગિરીશ ભીમાણીના નામે પણ યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોને મદદ માગતાં મેસેજ અને ઈ-મેલ આવ્યા હતા. જોકે તે સમયે પણ યુનિવર્સિટીએ પોલીસને જાણ કરવાને બદલે માત્ર વેબસાઈટ પર એક નોટિસ કે ચેતવણી મૂકી હતી. ત્યારબાદ બીજા ઇન્ચાર્જ કુલપતિ પ્રોફે. નીલાંબરી દવેના નામે મદદ માગતો વોટ્સએપ મેસેજ લાગતા વળગતાને આવ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું. હવે ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કમલસિંહ ડોડિયાના નામે પણ મદદ માગતાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. નવા ઇન્ચાર્જ કુલપતિએ ચાર્જ લીધાના ગણતરીના દિવસોમાં જ કોઈએ તેમના નામે મદદ માગતાં મેસેજ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફરી વેબસાઈટ પર ચેતવણી જાહેર કરી છે અને કોઈએ આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતીનો આપ-લે નહીં કવર જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *