રાજકોટમાં ચોમાસું શરૂ થયા છતાં નાના-મોટા ઝાપટા વરસી રહ્યા છે. હાલ આજી-ન્યારી ડેમમાં માત્ર જુલાઈ મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે છેવાડાના વિસ્તારોમાં ટેન્કરની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે, ત્યારે વરસાદ ખેંચાય તો રાજકોટની પ્રજાને ફરી નર્મદાનું શરણું લેવું પડશે તે નક્કી છે. જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, હાલ પાણીની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને જરૂર પડ્યે નર્મદાનું પાણી લઈને પણ પ્રજાને મુશ્કેલી પડવા દેવામાં આવશે નહીં.
ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અચાનક જ ચોમાસું નબળું પડી ગયાની હવામાન ખાતાએ જાહેરાત કરતાં જગના તાત સહિત સામાન્ય નાગરિકોના ચહેરા પર ચોમાસું કેવું રહેશે? તેની ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ પીવાના પાણીની સાથોસાથ સિંચાઈ માટેના જળાશયો ધીમેધીમે ખાલી થઇ રહ્યા છે. રાજકોટને પાણી પૂરું પાડતા આજી ન્યારી જળાશયોમાં હવે જુલાઈ માસ સુધી ચાલે તેટલું પાણી રહ્યું છે. છેવાડાના વિસ્તારોમાં ટેન્કરની માંગ પણ વધી છે. ત્યારે જો વરસાદ ખેંચાય તો રાજકોટ માટે નર્મદાના નીર માંગવા પડે તેવી પરિસ્થિતિ છે.