એરપોર્ટ શરૂ કરાયું, પરંતુ તમામ ફ્લાઈટ ક્યારે ઓપરેટ થશે તે હજુ પણ અનિશ્ચિત

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 12 મેથી શરૂ તો કરી દેવાયું છે, પરંતુ તમામ ફ્લાઈટ ક્યારે ઓપરેટ કરવામાં આવશે તે હજુ અનિશ્ચિત છે. કારણ કે, યાત્રિકોની સુરક્ષાને કારણે એરલાઇન્સ કંપનીઓ ફ્લાઈટ શરૂ કરી રહી નથી. અગાઉ પણ 13 મેથી ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ શરૂ થવાની હતી, પરંતુ 12મીએ રાત્રે ફરી સ્થિતિ વણસતા તે ફ્લાઈટ રદ કરવી પડી હતી. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 13મીએ મુંબઈ અને 14મીથી એર ઇન્ડિયાની પણ મુંબઈ કે દિલ્હીની ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ફરી વણસે તો ગમે ત્યારે ફ્લાઈટ રદ કરવામાં આવી શકે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પણ સોમવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાતા સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ફરી ફલાઈટો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી મંગળવારે ઇન્ડિગોની રાજકોટથી મુંબઈની 1 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે એર ઇન્ડિયાની મુંબઇ અને દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવેલી છે, જેથી ઘણા મુસાફરોને હાલાકી પડી છે. અગાઉ સ્થિતિ કાબૂમાં આવતા 12મી મેથી જ એરપોર્ટ કાર્યરત કરી દેવાયું હતું. જોકે 12 અને 13 મે બે દિવસ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકપણ ફ્લાઈટ ઉતરાણ કે ઉડાન ભરી શકી ન હતી. મળતી વિગતો અનુસાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે, પરંતુ હાલ ફ્લાઈટ ખરેખર ક્યારે ઉડાન ભરશે તે હજુ અનિશ્ચિત હોવાની સ્થિતિ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ભારતના ઓપરેશન સિંદૂરને લઈને કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટની સાથે રાજકોટનું હિરાસર એરપોર્ટ પણ સુરક્ષાના કારણોસર બંધ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *