રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલો રેલવે ક્રોસિંગ નં.4 એટલે કે એરપોર્ટ ફાટક તા. 18થી 24 માર્ચ સુધી 7 દિવસ માટે મેન્ટેનન્સ કાર્ય માટે આંશિક રીતે બંધ રહેશે. વાહનચાલકોને ફાટક ક્રોસ કરવા સમયે ઉબડખાબડ રસ્તામાંથી પસાર ન થવું પડે તે માટે રેલવે વિભાગ એરપોર્ટ ફાટક ઉપર રબરાઈઝ્ડ સરફેસ નાખવાનું કામ કરી રહ્યું છે જેના માટે આ ફાટક અઠવાડિયું આંશિક બંધ કરી દેવાશે. અહીંથી દરરોજ આશરે 15 હજારથી વધુ વાહનચાલકો પસાર થઇ રહ્યા છે જેમને એક સપ્તાહ સુધી મુશ્કેલી પડશે. પરંતુ કામ પૂરું થયા બાદ વાહનચાલકોને ફાયદો થશે.
રેલવે દ્વારા જણાવાયું છે કે 18થી 21 માર્ચ સુધી આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે. 22 માર્ચના રોજ રાત્રે 9થી 23 માર્ચના રોજ સવારે 4 વાગ્યા સુધી આ ફાટક બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. 23 માર્ચના રોજ રાત્રે 9થી 24 માર્ચના રોજ સવારે 4.00 વાગ્યા આ ફાટક સુધી બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. 24 માર્ચના રોજ આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે.