રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ આગામી તારીખ 27 જૂનથી 15 જુલાઈ સુધી બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપરેશનલ રિઝનના લીધે એરલાઇન્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી વહેલી સવારે આ એકમાત્ર ફ્લાઈટ હોવાથી ઉદ્યોગકારો, વેપારીઓ મોટી સંખ્યામાં આ ફ્લાઈટમાં મુસાફરી કરતા હતા. જોકે થોડા દિવસ માટે આ ફ્લાઈટ બંધ કરવામાં આવતા યાત્રિકોને મુશ્કેલી પડશે.
સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, એર ઈન્ડિયા ટાટા કંપનીએ ટેકઓવર કર્યા બાદ હવે એરક્રાફ્ટના ઇન્ટિરિયરમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એક સાથે તમામ એરક્રાફ્ટમાં બદલાવ કરવો શક્ય નથી તેને કારણે એક પછી એક એરક્રાફટમાં ઇન્ટિરિયર બદલાવવામાં આવી રહ્યું છે. તેથી જ એર ઇન્ડિયાની ફલાઇટ તબક્કાવાર થોડા દિવસો માટે કેન્સલ કરવામાં આવી રહી છે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ મુંબઈથી દરરોજ સવારે 6.35 વાગ્યે પ્રસ્થાન કરી 7.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારબાદ આ ફ્લાઈટ રાજકોટથી 8.40 વાગ્યે ઉડાન ભરે છે અને મુંબઇ સવારે 10.10 વાગ્યે પહોંચે છે. જોકે ઓપરેશનલ રિઝનથી આ ફ્લાઈટ 19 દિવસ માટે બંધ કરવામાં આવી છે. જેને લીધે સવારની ફ્લાઈટમાં મુંબઈ જતાં મુસાફરોને તકલીફ પડશે. જોકે ઇન્ડિગોની 9 વાગ્યાની મુંબઇની ફ્લાઇટ ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના બાદ રાજકોટથી પણ હવાઈ મુસાફરોમાં ઘટાડો નોંધાયો છે.