‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ના છેલ્લા દિવસે ભારત અને અમેરિકાએ ‘પેક્સ સિલિકા’ ડિક્લેરેશન પર સહી કરી છે. આ સમજુતીનો હેતુ વિશ્વભરમાં સેમિકન્ડક્ટર અને AIની સપ્લાય ચેઇનને સુરક્ષિત બનાવવાનો અને બિન-મિત્ર દેશો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું- સેમિકન્ડક્ટરનું હબ બનશે ભારત
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અમેરિકી આર્થિક બાબતોના સચિવ જેકબ હેલબર્ગે આના પર સહી કરી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત હવે પેક્સ સિલિકાનો ભાગ બની ગયું છે, જેનાથી દેશના ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સેક્ટરને મોટો ફાયદો થશે.
તેમણે જણાવ્યું- ભારતમાં પહેલાથી જ 10 પ્લાન્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ખૂબ જ જલ્દી દેશના પહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ચિપનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ જશે. વૈષ્ણવે એ પણ શેર કર્યું કે ભારતીય એન્જિનિયરો હવે દેશમાં જ એડવાન્સ ‘2-નેનોમીટર’ ચિપ ડિઝાઇન કરી રહ્યા છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગને આવનારા સમયમાં લગભગ 10 લાખ વધારાના સ્કિલ્ડ પ્રોફેશનલ્સની જરૂર પડશે અને દુનિયાની આ અપેક્ષા ભારત પાસેથી જ છે. તેમણે કહ્યું, “દેશ પાસે હવે એક સ્પષ્ટ દિશા અને લક્ષ્ય છે. આપણે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં વૈશ્વિક નેતૃત્વ લેવાનું છે.”