અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. અત્યારસુધીમાં 270થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યાં છે. જ્યારે 220 લોકોના DNA માટે સેમ્પલિંગની કાર્યવાહી થઈ ચૂકી છે. ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી સ્વજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરવામાં આવી છે. આ વચ્ચે PM મોદી સિવિલ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવત બચેલા એકમાત્ર વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી. 15 મિનિટ જેટલો સમય તેઓ હોસ્પિટલમાં રોકાયા હતા. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પ્લેન ક્રેશની તપાસમાં NIAની ટીમ પણ જોડાઈ છે.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે.
રાજ્ય સરકારે દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોનાં સગાં-સંબંધીઓ માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તથા સિવિલ હોસ્પિટલથી અન્ય સ્થળોએ પહોંચવાની વ્યવસ્થા કરી છે. જે યાત્રીઓનાં પરિવારજનો અથવા સંબંધીઓ દુર્ઘટના સંબંધે અમદાવાદ આવ્યા હોય તેમણે આ વ્યવસ્થા માટે જાહેર કરાયેલા ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે.