માઇક્રોસોફ્ટના સર્વરમાં શુક્રવારે સર્જાયેલી ક્ષતિને પગલે વિશ્વભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ થઇ જવાને કારણે હિરાસર એરપોર્ટ પર પણ અસર થઈ હતી. સર્વર ઠપ રહેવાને કારણે હિરાસર એરપોર્ટના એરલાઇન્સ સ્ટાફને મેન્યુઅલી કામગીરી કરવી પડી હોવાથી મુસાફરોને એરપોર્ટ પર લાંબો સમય પસાર કરવો પડયો હતો.
હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના એટીસી અભિષેક શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, આજે માઇક્રોસોફટનું સર્વર ઠપ થઇ જતા હવાઇ સેવાને વધુ અસર થઇ છે. જેમાં વધુ અસર ઇન્ડિગોને પડી છે. માઇક્રોસોફ્ટના સર્વરની ખામીની એરઇન્ડિયામાં કોઇ અસર જોવા મળી નથી. એરઇન્ડિયાની બધી ફલાઇટ સમયસર રાજકોટ આવી હતી અને ગઇ છે. જ્યારે ઇન્ડિગોની સવારની ફલાઇટ સમયસર આવી હતી. જ્યારે મુંબઇ અને બેંગ્લુરૂની બપોરની ફલાઇટ રાજકોટ મોડી આવી હતી. લાંબા સમય પછી પણ માઇક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામી દૂર નહીં થતાં ઇન્ડિગો દ્વારા બપોર બાદની મુંબઇ અને દિલ્હીની ફલાઇટ રદ કરવાની ફરજ પડી છે. બે ફલાઇટ રદ થતાં બંને તરફ 200થી વધુ મુસાફરો રઝળી પડયાં છે.