ટીઆરપી અગ્નિકાંડ બાદ હવે એટલાન્ટિસ એપાર્ટમેન્ટની દુર્ઘટના બનતા મહાનગરપાલિકાનો સ્ટાફ કુંભકર્ણ નિદ્રામાંથી જાગ્યો!

ધુળેટીના દિવસે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગની દુર્ઘટનામાં 3 યુવાનોના મૃત્યુના ઘેરા પડઘા પડ્યા છે અને વધુ એકવખત ફાયરશાખાની ગંભીર બેદરકારી છતી થઇ છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનાની જેમ ફરી કુંભકર્ણ નિદ્રામાંથી જાગેલા રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરશાખા દ્વારા તમામ રહેણાક બિલ્ડિંગોમાં ફાયર એનઓસીની ચકાસણી અને ફાયરના સાધનોની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને પ્રથમ દિવસે આઠ ફાયર સ્ટેશનની આઠ ટીમોએ 3 ઝોનમાં 95 બિલ્ડિંગની વિઝિટ લીધી હતી અને તેમાંથી 74માં ફાયર એનઓસી તથા ફાયરના સાધનો યોગ્ય રીતે કામ ન કરતા હોવાના મુદ્દે નોટિસ આપવામાં આવી છે જે રહેણાંક બિલ્ડિંગોમાં કેટલી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે તે દર્શાવે છે.

ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભુંજાઇ ગયાની દુર્ઘટના બાદ મનપાના ફાયર વિભાગના સ્ટાફે શહેરના તમામ કોમર્શિયલ બિલ્ડિંગો અને હોસ્પિટલોમાં ફાયર એનઓસી તથા ફાયરના ઉપલબ્ધ સાધનો કામ કરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. આ સમયે પણ મનપાના ફાયર વિભાગે હાઇરાઇઝ રહેણાક બિલ્ડિંગોને નજરઅંદાજ કરતા આ ઘટના બન્યાનું પ્રાથમિક ચિત્ર ઉપસ્યું છે. જો ત્યારે રહેણાક બિલ્ડિંગોમાં ફાયર એનઓસી અંગે ચકાસણી કરી હોત તો સંભવત: એટલાન્ટિસ એપાર્ટમેન્ટની દુર્ઘટના નિવારી શકાઇ હોત.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નંદાણીના આદેશના પગલે શહેરની આઠ ફાયરશાખાની આઠ ટીમોએ સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં આવેલા હાઇરાઇઝ રહેણાક બિલ્ડિંગોમાં કેટલા ફાયર એનઓસી ધરાવે છે, કેટલા બિલ્ડિંગના ફાયર એનઓસી એક્સપાયર થઇ ગયા છે, કેટલા બિલ્ડિંગમાં આવેલા ફાયરના સાધનો કામ કરે છે અને કેટલામાં કામ નથી કરતા સહિતના મુદ્દે તપાસણી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ચેકિંગમાં કુલ 8 ટીમે 3 ઝોનમાં 95 હાઇરાઇઝ રહેણાક બિલ્ડિંગની વિઝિટ લીધી હતી જેમાંથી 74ને નોટિસ આપવામાં આવતા કેટલી હદે હજુ પણ લોકો અને મનપાનું તંત્ર બેદરકાર છે તે આ આંકડો સૂચવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *