પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય જેમ કે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન તેવી જગ્યાઓને એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ચેકિંગ પણ વધારી દેવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે રાજકોટ રેલવે સ્ટેશન પર ગુજરાત પોલીસ અને આરપીએફના જવાનો સઘન ચેકિંગ કરી રહ્યા છે, ડોગ સ્ક્વોડથી પણ સ્ટેશન અને ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ આવતી-જતી ટ્રેનમાં યાત્રિકોની ઓળખ, તેમના આઈડી પ્રૂફ, તેમના સામાનની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. રેલવેના સિક્યુરિટી કમિશનર પરમેશ્વર સિંઘે જણાવ્યું કે, ચેકિંગ નિયમિત થતું હોય છે પરંતુ હાલમાં ફ્રીક્વન્સી વધારવામાં આવી છે.
કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ ઉનાળુ વેકેશન શાળાઓમાં શરૂ થતાં જ રેલવે યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આરપીએફ સાથે ટ્રેનોની અંદર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે રેલવે સ્ટેશન પર લોકોના લગેજ તેમજ સીસીટીવીના માધ્યમથી વિશેષ નજર રાખવામાં આવી રહી છે પશ્ચિમ રેલવેના ગુજરાત ગવર્નમેન્ટ પોલીસને વધારાના પાંચ ડોગ ચેકિંગ અર્થે ફાળવવામાં આવ્યા છે જેને લઈને રેલવે સ્ટેશન પર ટ્રેનોને આવવા જવા પર અને ટ્રેનોની અંદર વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય યાત્રિકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. રાજકોટથી પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ટ્રેન જતી હોય છે. આ ટ્રેનમાં આવતા-જતા યાત્રિકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનમાં પણ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે શંકાસ્પદ ચીજવસ્તુઓનું પણ ચેકિંગ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાય છે.