રાજકોટ મનપાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત અને પાણી વેરો છે. ચાલુ વર્ષે રૂ. 300 કરોડથી વધુ વેરો વસૂલ થઈ ચૂક્યો છે. પરંતુ હજુ પણ લક્ષ્યાંક ઘણો દૂર છે અને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે. જેને લઈને મનપાનાં વેરા વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારો બાદ વેરા વસૂલ કરવા માટેની કડક ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં આ માટે રૂ. 75,000થી વધુ વેરો બાકી હોય તેવા હજારો કરદાતાઓને નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે. ત્યારે દિવાળી બાદ સિલિંગ ઝુંબેશ હાથ ધરી મિલકતો સીલ અને જપ્ત કરવા સુધી કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.
મનપાનાં વેરા વિભાગનાં મેનેજર વત્સલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મનપાનાં ચોપડે કુલ 5.40 લાખ મિલકતો નોંધાયેલી છે. એપ્રિલથી જૂન દરમિયાન જાહેર કરવામાં આવતી વેરા વળતર યોજનાનો લાભ લઈને આ પૈકી 50% જેટલા પ્રમાણિક કરદાતાઓ તેનો વેરો ચૂકવ્યો છે. જેમાં 3,64,193 કરદાતાઓએ રૂપિયા 300 કરોડ જેટલો વેરો જમા કરાવ્યો છે. જેમાં કુલ 1.15 લાખ કરદાતાઓએ કેશ અને ચેકથી રૂ. 131.50 કરોડ અને 2.50 લાખ કરદાતાઓ દ્વારા રૂ. 168 કરોડ જેટલી રકમ ઓનલાઈન ભરવામાં આવી છે.