રાજકોટમાં એનિમલ હેલ્પલાઇન અને નેચર એન્ડ એડવેન્ચર ક્લબ સહિતની વિવિધ સંસ્થા દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત તેઓ શ્રદ્ધા સાથે પર્યાવરણનું જતન કરશે. નોરતા પૂરા થયા બાદ ગરબા નદીમાં પધરાવવાને બદલે તેમાંથી ચકલીને આશરો આપવા માટે તેનો માળો બનાવાશે. ચકલીના માળાનું અલગ- અલગ સ્થળોએ વિતરણ કરશે. આ ચકલીનો માળો બનાવતા વિદ્યાર્થીઓને પણ શિખવાડવામાં આવશે.
નેચર એન્ડ એડવેન્ચર ક્લબ જે લોકો ગરબો નદી-તળાવમાં વિર્સજિત નહિ કરે તેમાંથી ચકલીનો માળો બનાવીને વૃક્ષ-ઘર કે જાહેર સ્થળોએ બાંધશે તેનું સન્માન કરશે.આ માટેની વિગતો અને ફોટો સંસ્થાને રૂબરૂ ક્લાસિક કાર ડેકોર,ગોંડલ રોડ, સૂર્યકાંત હોટેલની સામે રાજકોટ ખાતે અથવા તો વેબસાઈટ પર મોકલવાના રહેશે.આ સિવાય એનિમલ હેલ્પલાઇન દ્વારા ગરબામાંથી બનાવેલા ચકલીના માળા એકત્રિત કરવામાં આવશે અને તેનું વિતરણ કાર્યાલય તેમજ અલગ- અલગ વિસ્તારોમાંથી કરવામાં આવશે. તેમ સંસ્થાના સંચાલક મિતલભાઈ ખેતાણીએ જણાવ્યું છે.