થોરાળાના ગોકુલપરાના યુવકને આજી નદીના પટ્ટ નજીક પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલો આરોપી હત્યા કર્યા બાદ ચોટીલા દર્શને જતો રહ્યો હતો જ્યારે અન્ય આરોપી મુંબઇ નાસી ગયાની શંકા સેવાઇ રહી છે.
ગોકુલપરાનો નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો પરસોત્તમભાઇ સોલંકી (ઉ.વ.21) તા.20ના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગયો હતો અ્ને તેના ગુમ થયા અંગેની પોલીસમાં જાણ પણ કરવામાં આવી હતી. દરમિયાન તા.22ની રાત્રીના આજી નદીના પટ્ટમાંથી નીતિનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો નીતિનની સાથે છેલ્લે તેના બે મિત્ર કરણ હેમંત રાઠોડ અને મનોજ પ્રવીણ મકવાણા જોવા મળ્યા હતા તેવી માહિતી મળતાં પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મનોજ મકવાણાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. શરૂઆતમાં તો મનોજ મકવાણાએ હત્યા અંગે ગલ્લાં તલ્લાં કર્યા હતા, પરંતુ બાદમાં તેણે હત્યાની કબૂલાત આપી હતી. મનોજે કબૂલાત આપી હતી કે, પોતે, કરણ અને નીતિન ત્રણેય મિત્રો જ હતા અને સાથે જ હરતા ફરતા હતા. નીતિને પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં છૂટાછેડા થઇ ગયા હતા. નીતિનની પૂર્વ પત્ની સાથે કરણને સંબંધ હોવાની નીતિનને શંકા હતી અને આ બાબતે તે છાશવારે કરણ સાથે ઝઘડા કરતો હતો અને મનોજને પણ ગાળો ભાંડતો હતો. શનિવારે રાત્રે ત્રણેય આજી નદીના પટ્ટમાંથી ચાલીને જતા હતા ત્યારે ફરીથી માથાકૂટ થતાં મનોજ અને કરણે પથ્થરના ઘા ઝીંકી નીતિનને પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ કરણ અને મનોજ ત્યાંથી નીકળી ગયા હતા.