ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામો સંદર્ભે મહાનગરપાલિકા દ્વારા કલમ 260(1) અને 260(2) મુજબ 1523 નોટિસો આપવામાં આવી હતી અને તેમાંથી માત્ર 26 બાંધકામો જ દૂર કરાયા હતા. દરમિયાનમાં હવે ડિમોલિશનની નોટિસ બાદ સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન મુજબ જે આસામીઓને ડિમોલિશનની નોટિસ અપાઇ છે તેને હિયરિંગ માટે બોલાવવા મનપાએ ફરીથી નવી નોટિસ ઇશ્યુ કરી છે અને આવા આસામીઓને ચાર દિવસની મુદ્દતમાં હાજર થવા તાકીદ કરી છે.
મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સુપ્રીમકોર્ટની ગાઇડલાઇન મુજબ ગેરકાયદે બાંધકામ સંદર્ભે જે આસામીઓને બાંધકામ દૂર કરવાની નોટિસ આપી હોય તેને રજૂઆતની વધુ એક તક આપવાની છે. આથી આવા દબાણકારોને બાંધકામ મંજૂરીને લગતા તમામ દસ્તાવેજો, ભોગવટા પરવાનગી, પ્લાન આ આસામીઓને રજૂ કરવા નોટિસમાં જણાવ્યું છે. જો આસામીઓ આ નોટિસ મળ્યા બાદ હાજર નહીં થાય તો તેમને કશું કહેવાનું થતું નથી તેમ સમજીને આગળની કાર્યવાહી કરવાની થશે. મિલકતમાં કોઇપણ પ્રકારની નુકસાની થશે તો તેની જવાબદારી પણ આસામીની રહેશે તેવું નોટિસમાં જણાવ્યું છે. આ હિયરિંગ બાદ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાય તેમ માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડિમોલિશનની કામગીરી પ્રોસિજર અનુસરીને કરવા માર્ગદર્શન અપાયું હતું. એટલે નવેસરથી ત્રણેય ઝોનમાં નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે. આ નોટિસોની સમયમર્યાદા પૂરી થયા બાદ મહનગરપાલિકા કેટલી ગેરકાયદે મિલકતોના ડિમોલિશન કરે છે અને કેટલા ગેરકાયદે બાંધકામ કરનારાઓને છાવરે છે તેની સ્થિતી આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે.