રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને લઈને છેલ્લા થોડા દિવસોથી કામગીરી બંધ હતી. ગઇકાલે(30 માર્ચ) સાંજે 5 વાગ્યાથી જણસીઓની આવક શરૂ કરવામાં આવનાર હોવાથી આજે સવારથી જ યાર્ડ બહાર ખેતપાક ભરેલા વાહનોની લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડ બહાર 5 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આવક શરૂ થાય એ પહેલા મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ જણસીઓ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે આવતીકાલથી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થશે.
સવારથી વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી પ્રાપ્ત વિગત મુજબ માર્ચ એન્ડિંગને લઈને રાજકોટનું માર્કેટયાર્ડ 26 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. માર્ચ એન્ડિંગ અને હિસાબ-કિતાબનાં કારણે યાર્ડ 6 દિવસ માટે બંધ રહ્યું હતું. આવતીકાલથી ખેડૂતોની વિવિધ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવનાર છે. અને આજે સાંજે 5 વાગ્યાથી નવી આવક શરૂ કરવામાં આવનાર હોય ખેડૂતો આજે વહેલી સવારથી વિવિધ જણસીઓ લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. જેને લઈને આજે સવારથી વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.
ડુંગળીના પૂરા ભાવ મળતા નહીં હોવાનો ખેડૂતોનો આરોપ જોકે હાલ જુના યાર્ડમાં શાકભાજીની આવકો ચાલુ છે. જ્યાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં જોવા મળી હતી. પરંતુ તેમાં પૂરા ભાવ મળતા નહીં હોવાનો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો હતો. ખેડૂતોનાં કહેવા મુજબ હાલમાં ડુંગળીનાં રૂ. 80થી 250 સુધીના ભાવ બોલાય છે. જે પડતર કિંમત કરતા ઓછા છે. ડુંગળીનાં પાકની રોપણી કરવામાં રૂ. 10,000નો ખર્ચ થાય છે. ઉપરાંત દવા ખાતર સહિતના ખર્ચ થતા હોય છે. ડુંગળી માટે વપરાતા ખાતરનો ભાવ રૂ. 1750 જેટલો છે. દવાઓનો ભાવ પણ ડબલ છે. આમ છતાં હવામાન અનુકૂળ નહીં હોવાથી પાક ઓછો આવવાનો છે. છતાં ખેડૂતોને પુરા ભાવ મળતા નથી. હાલ 80% પીળી પત્તી અને 20 ટકા લાલ ડુંગળી આવી રહી છે.