બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોજ કુમાર ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે જાણીતા છે. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ ANIને જણાવ્યું કે- ‘તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે છેલ્લી ઘડીએ તેમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં, તેમણે શાંતિથી આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે.
મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.