સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો ગુણવત્તાયુક્ત સંશોધનો અને સમાજ ઉપયોગી ઇનોવેશનના ક્ષેત્રે સતત પ્રગતિશીલ છે ત્યારે ભૌતિક શાસ્ત્ર ભવનમાં PHDનો અભ્યાસ કરતી કુમારી હિમીત્રી ત્રિવેદીને ઇન્ટર યુનિવર્સિટી એકસીડરેટર સેન્ટર (IUAC) ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં બેસ્ટ પોસ્ટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. હિમિત્રિ ત્રિવેદી ભૌતિકશાસ્ત્ર ભવનમાં ડો. રૂપલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ PHD કરે છે. તેણીએ IUAC ન્યુ-દિલ્હી ખાતે યોજાયેલ ચાર દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ IBMEC 2024માં ભાગ લીધો હતો અને કોમ્પ્યુટરની ઝડપ વધારતી ડિવાઈસ પર રિસર્ચ પેપર રજૂ કર્યું હતુ.
આ કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી આવેલા તજજ્ઞોના વ્યાખ્યાનો તેમજ ઓરલ પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. હિમીત્રીએ “Influence of Swift Heavy Ion Irradiation On Charge Transport And Conduction Mechanism Across LMO/NSMO Interface” શીર્ષક સાથે તેમનું પોસ્ટર પ્રેઝન્ટ કર્યું હતું. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા બેસ્ટ પોસ્ટર એવોર્ડ મળ્યો છે, જે ભવન માટે ગૌરવની બાબત છે.