સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા

રાજકોટની સગીરાનું 2018ની સાલમાં અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અને રૂ.52 હજાર દંડનો હુકમ કર્યો છે અને દંડની રકમમાંથી 50 ટકા રકમ ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો છે. રાજકોટના માધાપર નજીક રહેતા પરિવારની 15 વર્ષની સગીર પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ તા.10-12-2018ના રોજ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઇ હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં ધ્રોલ તાલુકાના ફતેહપુરાના મોહસીન રહીમ મકવાણાએ સગીરાનું અપહરણ કર્યાનું ખુલ્યું હતું.

આરોપીએ સગીરાને મોરબી લઇ જઇ મરજી વિરુદ્ધ અવારનવાર શરીરસંબંધ બાંધ્યાનું ખૂલતા પોલીસે આરોપી મોહસીન મકવાણાની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા સરકારી વકીલ મહેશ જોશીએ મહત્ત્વના સાક્ષી તરીકે ભોગ બનનાર, ડોક્ટર, પંચો, સહિતનાઓને તપાસ્યા હતા અને 15 જેટલા દસ્તાવેજી પુરાવા અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા. જેને ધ્યાનમાં લઇ પોક્સો કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલ સજા અને રૂ.52 હજારના દંડ અને તેમાંથી 50 ટકા ભોગ બનનારને ચૂકવવા હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનારને રૂ.3 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *