શહેરના કુવાડવા રોડ પર 2016માં બાઇક અથડાવવાના મુદ્દે થયેલી હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી ચિરાગ ઉર્ફે ચીના મનોજ પરમાર સામેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને સાપરાધ મનુષ્યવધના ગુનામાં તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, રોહીદાસપરામાં રહેતો દિલીપ સાગઠિયા ગત તા.15-6-2016ના રોજ તેના મોટાબાપુના દીકરા મહેન્દ્ર કેશુભાઇ સાગઠિયા સાથે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે કુવાડવા રોડ પર કમલ પાનની દુકાન પાસે બાઇક અથડાવવાના મુદ્દે અને ખર્ચ માગવા બાબતે સુરિયો, ગોવિંદ, ચિરાગ ઉર્ફે ચીનો પરમાર અને નરેશ મનસુખ ચુડાસમાએ ગુપ્તીથી હુમલો કરતાં મહેન્દ્ર કેશુભાઇ સાગઠિયાનું મોત નીપજ્યું હતું.
આ બનાવ હત્યામાં પલટાતાં પોલીસે દિલીપ કાળાભાઇ સાગઠિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી સુરિયો, ગોવિંદ અને નરેશ ચુડાસમાની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ ત્રણેય સામે કેસ ચાલી જતા અદાલતે આરોપી નરેશ ઉર્ફે કાળુ મનસુખ ચુડાસમા, ગોવિંદ ઉર્ફે ગોવો નારણ મણવર અને સુરિયાને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો.