રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ ચૌલાબેન પટેલની હત્યા કેસમાં પોલીસે પાડોશમાં જ ભાડેથી રહેતા બે સંતાનના પિતા એવા આરોપી કાનજી ભીમાભાઇ વાંજા (ઉ.વ.34)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી બદકામ કરવા ઇરાદે મહિલાના ઘરમાં પ્રવેશ કરી બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો જો કે મહિલાએ સામે પ્રતિકાર કરતા રોષે ભરાયેલ આરોપીએ મહિલાને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીને હાથ તેમજ પગના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા’ નામના મકાનમાં ઉપરના માળે છેલ્લા 4 મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.53)ની સોમવારે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળું દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા નિપજાવી હતી.
સમગ્ર કેસ પર નજર કરીએ તો મૃતક ચૌલાબેન પટેલ કે જેઓ નર્સ તરીકે 24 વર્ષ અમદાવાદમાં નોકરી કર્યા બાદ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ ટ્રાન્સફર થતા તેઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજવતાં હતા અને અહીંયા યુનિવર્સીટી રોડ પર ઋષિકેશ પાર્ક2માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના મકાનમાં ઉપરના માળે એક રૂમમાં ભાડે રહેતા હતા. જ્યાં નીચેના માળે નિલમબેન અને તેમના પતિ પિયુષભાઇ દલસાણીયા રહે છે. સોમવારે રાત્રે ચૌલાબેન પટેલ તેમના ઘરે હતા દરમિયાન આરોપી કાનજી ભીમાભાઇ વાંજા (ઉ.વ.34) બળજબરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયો હતો. અચાનક આરોપી કાનજી ભીમાભાઇ વાંજા આવતા મહિલાએ તેના ઘરમાં શાક સમારવા માટેની છરી વડે બચવા માટે પ્રતિકાર કર્યો હતો જેના કારણે આરોપીને પણ હાથ તેમજ પગમાં ઇજા પહોંચી હતી.