કાલાવડ રોડ પરના વામ્બે આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા યુવકને તેના મિત્રના ભાઇએ જ્ઞાતિ અંગે હડધૂત કરી, તલવારનો ઘા ઝીંકી ગુપ્તાંગમાં લાત મારી હતી. યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
વામ્બે આવાસ ક્વાર્ટર્સમાં રહેતા નિલેશ કિશોરભાઇ પરમારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ ધકાણનું નામ આપ્યું હતું. નિલેશ પરમારે જણાવ્યું હતું કે, પોતે પોતાના ઘરેથી તેના મિત્ર ભાવિક ધકાણને મળવા જવા નીકળ્યો હતો ત્યારે ભાવિકનો ભાઇ ધવલ ધકાણનો ભેટો થઇ ગયો હતો. ધવલ અવારનવાર નિલેશને તેના સમાજ વિશે અપમાનજનક બોલતો હોય નિલેશે તેવું બોલવાની ના કહેતા ધવલ ઉશ્કેરાઇ અને ફરીથી નિલેશને જ્ઞાતિ અંગે હડધૂત કર્યો હતો અને તલવારનો ઘા નિલેશને ઝીંકી દીધો હતો. નિલેશના માથામાંથી લોહી નીકળવા લાગતાં તે બેભાન થઇ ઢળી પડ્યો હતો. નિલેશ ભાનમાં આવ્યો તો તેને ગુપ્તાંગમાં લાત મારી ધવલ ધકાણ નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં નિલેશના માતા દોડી આવી નિલેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે નિલેશ પરમારની ફરિયાદ પરથી ધવલ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.