વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગત 7 માર્ચના રોજ KTM સ્પોર્ટ્સ બાઇક લઇને પુરપાટ ઝડપે જઇ રહેલા નબીરાએ LLBનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. જેમાં વિદ્યાર્થિનીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને છેલ્લા 85 દિવસથી વિદ્યાર્થિની કોમામાં છે. પરિવારે દીકરીની સારવાર પાછળ 40 લાખનો ખર્ચ કરી નાખ્યો છે અને પરિવારની હાલત કફોડી બની ગઇ છે. પોલીસે ઘટનાના 84 દિવસે આરોપી સગીરના પિતાની બેદરકારી બદલ લક્ષ્મીપુરા પોલીસે ધરપકડ કરી છે. જોકે, કોમમાં સરી પડેલી દીકરીના પિતાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
વિદ્યાર્થિની નેન્સીના પિતા તુષાર બાવીસીએ જણાવ્યું હતું કે, મારી દીકરી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેનો ખર્ચ કાઢવા માટે પાર્ટટાઇમ જોબ પણ કરે છે. તે 7 માર્ચના રોજ નોકરી પુરી કરીને ઘરે આવવા નીકળી હતી, તે સમયે સ્કૂટર લઈને ગેટની બહાર નિકળતી હતી, ત્યારે KTM બાઈક લઈને 120થી 140ની સ્પીડે આવ્યો હતો અને મારી દીકરીને ઉછાળીને 10થી 15 ફૂટ દૂર ફેંકી દીધી હતા અને એને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્કૂટર પણ આખી બેન્ડ વળી ગઇ છે. ત્યાંના લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ત્યારબાદ અમને ગોત્રી હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું હતું કે, દીકરીને બ્રેઇનમાં ઇજાઓ છે, જેથી તમે કોઈ ન્યૂરો સર્જન પાસે લઈ જાવ. જેથી અમે દીકરીને વિન્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી. મારી દીકરીની ત્યાં સવા બે મહિના સુધી સારવાર ચાલી હતી. વિન્સ હોસ્પિટલના ડોક્ટરોએ અમને મદદ કરી છે અને સમાજના લોકોએ પણ મદદ કરી છે, જોકે, ત્યાંનો ખર્ચ અમે પહોંચી વળ્યા નહોતા અને અમે દીકરીને કલાલી વિસ્તારમાં આવેલી શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરી છે. અમારી જીવન મૂડી દીકરીના સારવારમાં પૂરી થઇ ગઇ છે.