વર્ષ 2018માં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયાની ક્રિષ્ના સ્કૂલમાં બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફત એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ સાથે એક લેટર પણ આવ્યો હતો. આ લેટરમાં સહપરિવારે ગીફટ બોકસ ખોલવા માટે લખાયેલું હતું. પરંતુ વલ્લભભાઈ ડોબરીયાને શંકા જતા તેણે તે બોકસ સ્કૂલ બહાર ઝાડ નીચે રાખી દીધું હતું. બાદમાં ઉપલેટા પોલીસને બોલાવતા ઉપલેટા પોલીસ દ્વારા રાજકોટથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બોલાવાયેલ અને સ્ક્વોડ દ્વારા તપાસ કરાતા તે બોકસમાં બોમ્બ કે જેમાં નવ નંગ ડિટોનેટર સાથે હોવાનું જણાતાં અતિ ગંભિર એકસપ્લોઝિવ હોવાનું જણાતાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તે પાર્સલને સલામત જગ્યાએ લઈ જઈ તેનો નાશ કરાયો હતો.
આ અંગે વલ્લભભાઈ ડોબરીયા દ્વારા અજાણ્યા ઈશમો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 307 તથા એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં પોલીસે તપાસ કરી નાથા રવજીભાઈ ડોબરીયા કે જેઓની વલ્લભભાઈ ડોબરીયા સાથે ક્રિષ્ના સ્કૂલની મિલકત બાબતે દિવાની તકરારો ચાલુ હતી, તેઓને અટક કરાયેલ અને હસ્તાક્ષર નિષ્ણાંતનાં અહેવાલ તથા બેલાસ્ટિક એકસપર્ટનાં અભિપ્રાય મેળવી ચાર્જશીટ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલે તે માટે મુકી હતી. 1999માં ઉપલેટાનાં રતિભાઈ પાદરીયા તથા ગીરીશભાઈ સોજીત્રાને પણ પાર્સલ બોમ્બ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો, તેનો આરોપ પણ નાથાભાઈ ડોબરીયા ઉપર મુક્યો હતો. જેનું ચાર્જશીટ પણ જેતે સમયે રજૂ કરાયું હતું. જેમાં અગાઉ નાથાભાઈ ડોબરીયાને 1999નાં ગુનામાંથી નિર્દોષ જાહેર કરાયા હતા.