ફરિયાદી રામજીભાઈ પ્રાગજીભાઈ મારકણાની ફરિયાદ મુજબ તા.18/02/2002 ના રોજ ગોંડલ ગામે આવેલી રાજવાડી નામે ઓળખાતી ખૂબજ કિંમતી અને ચર્ચિત જમીનનો કબજો કરવાના આશયથી આરોપી (1) જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા રહે.રાજકોટ (2) ગિરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ રહે.અમદાવાદ (3) રામભાઈ રણમલભાઈ આહીર રહે.અમદાવાદ (4) સાલ્મીનભાઈ સીરાઉદ્દીન પઠાણ રહે.રાજકોટ (5) અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.અમદાવાદ (6) પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે.અમદાવાદ (7) રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર (8) જયરાજભાઈ ડોસણભાઈ બસિયા રહે.રાજકોટ (9) રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે.સોડિયા, જિ.રાજકોટવાળા વગેરે એકસંપ કરીને લાકડી, ધારિયા, પાઈપ, તલવાર અને તમંચા જેવા હથિયારો સાથે બનાવવાળી રાજવાડીનો કબજો કરવાના ઉદ્દેશ સાથે બુલેટ, આરમડા કાર અને 118 કાર સાથે ઘસી આવેલા અને તમંચામાંથી હવામાં ફાયરિંગ કરીને અને ટેલિફોન, ટીવી અને બારી દરવાજાની તોડફોડ કરેલી અને સાથે સાથે એવું બોલતા હતા કે, આ રાજવાડી અમારા બાપની છે, જો કોઈ આનો કબજો લેવા આવશે તો અહીંથી જીવતા નહીં જવા દઈએ. આ બધાથી ડરીને ફરિયાદી અને ત્યાં હાજર બીજા માણસો બનાવવાળી જગ્યાએથી બીકના માર્યા ભાગીને છુપાઈ ગયા હતા અને પોલીસને જાણ કરેલી હતી, ત્યારબાદ પોલીસે આવીને આરોપીઓને પોલીસવાનમાં બેસાડીને લઈ ગયેલા હતા.
ફરિયાદી રામજીભાઈ મારકણાની ફરિયાદ ઉપરથી ગોંડલ સિટી પોલીસે આઈ.પી.સી. કલમ 397,427,447,452,506(2) તથા બી.પી.એક્ટ કલમ-135 તેમજ આર્મ્સ એક્ટ કલમ-25(1)(સી) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
આ કેસમાં પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલું હતું, ત્યારબાદ આરોપી સામે નામદાર કોર્ટ દ્વારા ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો, પ્રોસિક્યૂશન દ્વારા શાહેદોને તપાસમાં આવ્યા હતા, પ્રોસિક્યૂશનના નજરે જોનારા શાહેદો તપાસ કરનાર અધિકારી વગેરેની બચાવપક્ષના વકીલ દ્વારા ઝીણવટભરી ઊલટ તપાસ કરવામાં આવી હતી, બચાવ પક્ષના વકીલ દ્વારા નજરે જોનારા શાહેદોના 164 તેમજ 161ના નિવેદનમાં વિરોધાભાસ હોય જે અંગે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને પ્રથમ દર્શનીય પુરાવો ક્યાંય રેકર્ડ ઉપર નથી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી.