રાજકોટ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનામાં 10 મહિનાથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચ તેમજ નાસતા-ફરતા સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. 19 વર્ષીય શાહરુખ અબ્દુલભાઈ અધામ નામના આ શખ્સ સામે ગાંધીગ્રામ-2 પોલીસમાં બે ગુનાઓ નોંધાયા હતા. જોકે આરોપી છેલ્લા 10 માસથી પોલીસને ચકમો આપીને નાસતો ફરી રહ્યો હતો. જેને ચોક્કસ બાતમીના આધારે એલસીબી ઝોન-2 અને નાસતા-ફરતા સ્ક્વોડ ઝોન-2ની ટીમોએ ઝડપી પાડ્યો છે અને આરોપીનો કબ્જો શહેર ગાંધીગ્રામ-2 પોલીસને સોંપવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજા અન્ય બનાવમા રાજકોટ પીસીબીની ટીમે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી અને હીરાસર એરપોર્ટ ચોકડી નજીકથી બ્રેઝા કારમાં ચોરખાનું બનાવીને થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે વાંકાનેર ચોકડી અને હીરાસર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. અલગ-અલગ બે બ્રેઝા કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા શૈલેષ ઝાલાવડીયા, પ્રવિણભાઈ વાળા અને કેતન વોરાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી બે કાર તેમજ વિદેશી દારૂ સહિત રૂ. 11.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પીસીબી દ્વારા શૈલેષ ઝાલાવડીયા અને પ્રવિણભાઈ વાળાનો કબ્જો કુવાડવા પોલીસ અને કેતન વોરાનો કબ્જો એરપોર્ટ પોલીસને સોંપવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પીસીબીની ટીમે અન્ય એક દરોડામાં વિરલભાઈ સેજપાલ નામના શખ્સને SX4 કારમાં દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપી પાસેથી કાર સહિત રૂ. 2,07,614નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.