કોલેજો પાસે હિસાબો મગાવ્યા, માસાંત સુધીમાં ફી નિર્ધારિત થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર FRC (ફી રેગ્યુલેશન કમિટી)ની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને શુક્રવારે મળી હતી. ફી રેગ્યુલેશન કમિટીની રચના થયા પછી પહેલીવાર શુક્રવારે કમિટીના સભ્યોની બેઠક મળી હતી. હાલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી ફી, ખર્ચ, આવક, ઓડિટ સહિતની જુદી-જુદી વિગતો મગાવી છે.

આ વિગતો આવી જાય પછી હાલ કોલેજોએ GCASમાં જે ફી દર્શાવી છે અને કમિટીના સભ્યો કે ફી નિર્ધારણ કરે તે નક્કી થશે. કોલેજોએ જે વિગતો મોકલી હશે તે વિગતો નિવૃત્ત જજ, બેંકના જનરલ મેનેજર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના કમિટીના સભ્યો સમક્ષ મુકવામાં આવશે. જુલાઈ માસના અંત સુધીમાં કોલેજોનો તમામ ડેટા આવી જાય પછી તેનું એનાલિસિસ કરીને ફી નિર્ધારણ કરવામાં આવશે.

નવા સ્ટેચ્યુટમાં કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલી શકશે તેના માટે FRCની કમિટી બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે એ પ્રમાણે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એફઆરસી કમિટી બનાવવામાં આવી છે. શુક્રવારે આ કમિટીની સૌપ્રથમ બેઠક મળી હતી જેમાં ફી, કોલેજોના હિસાબો, આવક, ઓડિટ સહિતની બાબતોએ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સૌપ્રથમ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પાસેથી હિસાબો મગાવવામાં આવ્યા છે જેનો અભ્યાસ કરીને આગામી દિવસોમાં ફી નિર્ધારણ કરવામાં આવશે. સંભવત: જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં ફી નિર્ધારણ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મે મહિનામાં જ કોલેજો માટે ક્યા કોર્સની કેટલી ફી વસૂલવી તે અંગેનો પરિપત્ર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *