રાજકોટમાં તારીખ 25 મેનાં રોજ બનેલા અગ્નિકાંડ બાદ ફાયર NOC અને BU સર્ટિફિકેટને લઈને સઘન તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ફાયર NOCનાં નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, આ નવા નિયમો પ્રમાણે ફાયર NOC લેવી અઘરી પડી રહી છે અને 25 મે, 2024 બાદ અત્યાર સુધીમાં નવા ફાયર NOC લેવા માટેની માત્ર 16 અરજીઓ આવી છે. બીજીતરફ શહેરમાં નાની-મોટી આગ લાગવાના 41 જેટલા કોલ 25 મેથી અત્યાર સુધી ફાયર વિભાગને મળ્યા છે. જે પૈકી મોટાભાગના સ્થળે નિયમ મુજબ જરૂરી ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. તેમને પ્રાથમિક સાધનો વસાવવા સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ગેમ ઝોન આગકાંડ બાદ સફાળી જાગી છે. હવે ફાયરના કોલ એટેન્ડ કરનાર દ્વારા સ્થળેફાયર NOC છે કે કેમ? તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં નાની-મોટી આગનાં 41 બનાવો સામે આવ્યા છે. આ તમામ સ્થળે પૂછપરછ કરવામાં આવતા મોટાભાગના સ્થળોએ નિયમ મુજબ જરૂરી ન હોવાથી ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. છતાં તમામને આગથી બચી શકાય તેવા જરૂરી સાધનો વસાવી ટ્રેનિંગ લેવાની સલાહ આપવામાં આવી હતી.