ઝાંઝરડામાં મેટાડોર-બાઈક વચ્ચે અક્સ્માત સર્જાતા જૂનાગઢ દવા લેવા આવતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે મૃતકના પત્ની, માતાને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.
ધોરાજી તાલુકાના પાટણવાવના 26 વર્ષીય મિતેશભાઈ રાજેશભાઇ પેથાણી, તેના 24 વર્ષીય પત્ની મહેકબેન અને 51 વર્ષીય માતા દયાબેન રાજેશભાઇ પેથાણીને જીજે 03 પીબી 6545 નંબરના બાઈક પર બેસાડી મંગળવારે પાટણવાવ થી જૂનાગઢ દયાબેનની દવા લેવા જતા હતા. ત્રીપલ સવારી બાઈક સાથે રસ્તામાં જુનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે ખેતલા બાપાના મંદિર નજીક પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવેલા જીજે 11 વીવી 2834 નંબરના મેટાડોરના ચાલકે હડફેટે લેતા ત્રણેય ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતથી ત્રણેયને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મિતેશભાઈને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે મૃતકના પત્ની મહેકબેન અને માતા દયાબેનને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે મૃતક યુવકનાં પિતા રાજેશભાઈ મોહાભાઈ પેથાણીની ફરિયાદ લઇ તાલુકા પોલીસે મેટાડોરના ડ્રાઇવર સામે ગુનો નોંધી પીએસઆઇ ડી. કે. સરવૈયાએ તપાસ હાથ ધરી હતી.