રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરના ચાલકે સિગ્નલ વગર પોતાનો ટ્રેક બદલાવી ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાતાં બે યુવાન મિત્રનાં મોત નીપજ્યા હતા જ્યારે વાંકાનેર રહેતા અન્ય બે મિત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.ચારેય મિત્ર કુવાડવા પાસે મામા સાહેબના મંદિરે માંડવામાં જતા હતા અને આ બનાવ બન્યો હતો. એરપોર્ટ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વાંકાનેર રહેતા અશોકભાઇ બટુકભાઇ સીતાપરા (ઉ.35) તેમજ તેના મિત્ર વાંકાનેરના વઘાસિયા ગામે રહેતા પ્રવીણભાઇ અમરશીભાઇ સારાવડિયા (ઉ.24) તથા મૂળ બોટાદનો અને હાલ વાંકાનેર રહેતો ધીરજભાઇ ઉર્ફે પ્રદીપભાઇ વિરજીભાઇ જાદવ (ઉ.25) અને વાંકાનેર રહેતો મનીષભાઇ બટુકભાઇ સીતાપરા (ઉ.32) તેના શેઠની કાર લઇને જતા હતા ત્યારે કુચિયાદળ પાસે ડમ્પર પાછળ અથડાતાં ચારેય મિત્રને ઇજા થઇ હતી. રાહદારીએ કારમાંથી બહાર કાઢી જાણ કરતાં 108ની ટીમે પહોંચી કારચાલક અશોકભાઇ સીતાપરા અને ધીરજભાઇ જાદવને મૃત જાહેર કર્યા હતા તેમજ અન્ય પ્રવીણભાઇ અને મનીષભાઇને સારવાર માટે ખસેડાયા હતા.
બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે તપાસ કરતાં મૃતક અશોકભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જ્યારે ધીરજભાઇ મૂળ બોટાદના વતની હોવાનું અને ચારેય મિત્ર વાંકાનેર વઘાસિયા ટોલનાકા પાસે વ્હાઇટ હાઉસ નામના કારખાનામાં કામ કરતાં હોય અને ત્યાંથી શેઠની કાર લઇને મામા સાહેબના મંદિરે માતાજીના માંડવામાં જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે પ્રવીણભાઇ સારાવડિયાની ફરિયાદ પરથી ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યો છે.