યુનિ. પોલીસ સ્ટેશનના સાયબર રૂમમાં ACBની સફળ ટ્રેપ

રાજકોટ શહેર પોલીસમાં કેટલાક કર્મચારીઓ નાણાં સિવાય કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઊઠી હતી અને આ બાબતે પોલીસ અધિકારીઓ હંમેશા સ્ટાફનો બચાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે સોમવારે એસીબીની ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલને રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ અધિકારીઓનો બચાવ લૂલો હોવાનું સાબિત કરી દીધું હતું. ચોરાઉ મોબાઇલ પરત આપવાના બદલામાં મહિલા કોન્સ્ટેબલે રૂ.1 હજારની લાંચ માગી અને સ્વીકારી હતી.

શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતા એક યુવકના મોબાઇલ ફોનની અગાઉ ચોરી થઇ હતી અને યુવકે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરાઉ ફોન પોલીસે શોધી કાઢ્યો હતો અને આ ફોન મૂળ માલિકને સોંપવાની કાર્યવાહી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અનિતા ઇશ્વરભાઇ વાઘેલાએ શરૂ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે મોબાઇલ માલિકને ફોન કરી તેમનો ફોન મળી ગયાનું કહી તેમને રૂબરૂ બોલાવ્યા હતા.

મોબાઇલ માલિક યુવક પોલીસ સ્ટેશને ગયો ત્યારે મહિલા કોન્સ્ટેબલે મોબાઇલ પરત જોઇતો હોય તો રૂ.1 હજાર આપવા પડશે તેમ કહી લાંચ માગી હતી અને બે દિવસ પછી મોબાઇલ લેવા આવો ત્યારે પૈસા આપજો તેવું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા ઇચ્છતો ન હોય તેણે આ અંગે રાજકોટ એસીબીમાં જાણ કરતાં રાજકોટ એકમ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *