રાજકોટ જિલ્લા માટે અભયમ્ રેસ્ક્યૂ વાન ફાળવાઇ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાને સેવા મળશે

ગુજરાતની મહિલાઓને અભય બનાવતી 181 મહિલા અભયમ્ હેલ્પલાઇન 24*7 કાર્યરત છે. જો કોઈ મહિલા શારીરિક-માનસિક હિંસાનો ભોગ બની રહી હોય તો તે 181 અભયમ્ હેલ્પલાઈન પર ફોન કરીને મદદની અપીલ કરી શકે છે. આ સ્થિતિમાં રેસ્ક્યૂ વાન પીડિત મહિલાની મદદે પહોંચી જાય છે અને જરૂર જણાયે મહિલાને સલામત સ્થળે લઈ જાય છે ત્યારે રાજકોટ જિલ્લાની મહિલાઓને નિર્ભય બનાવવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તાર માટે એક અભયમ્ રેસ્ક્યૂ વાન ફાળવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ડો.જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કુલ 5 અભયમ્ રેસ્ક્યૂ વાન કાર્યરત છે. જે પૈકી 4 રેસ્ક્યૂ વાન જિલ્લા ગ્રામીણ વિસ્તારમાં અને 1 રેસ્ક્યૂ વાન રાજકોટ શહેરી વિસ્તારમાં કાર્યશીલ હતી. ગ્રામ્ય વિસ્તાર માટે વધુ રેસ્ક્યૂ વાનની જરૂર જણાતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના પ્રયાસોથી 5 વાન પૈકી 1 વાન ગ્રામીણ વિસ્તારમાં ફાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા આ વાન માટે જેતપુર પોલીસ સ્ટેશન ખાતે સ્થળ અને સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે. આ રેસ્ક્યૂ વાનને ટૂંક સમયમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાતા જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકાંડોરણા તાલુકાની મહિલાઓને તેનો લાભ મળી શકશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યૂ વાન થકી સરેરાશ રિસ્પોન્સ ટાઇમમાં ઘટાડો થતાં જરૂરિયાતમંદ મહિલાઓને ઝડપથી સહાય પૂરી પાડી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *