અંજારમાં રહેતાં ટીમ્બરના વેપારીના 19 વર્ષના પુત્રનું કોઈ શખ્સે અપહરણ કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માંગતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટુકડીઓએ ગહન તપાસ હાથ ધરી છે.
ફોન કરી સવા કરોડ રૂપિયાની ખંડણી માગી
અંજારના મેઘપ૨ બોરીચીમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર સવારે 10 વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો. જે સાંજે 5 વાગ્યા સુધી પરત આવ્યો નહોતો. જેથી તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે સવા કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
સંજીવ તોમર દિલ્હીથી દોડતા અંજાર આવી પહોંચ્યા
ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યશના પિતા ટિમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવ સમયે તેઓ ધંધાર્થે દિલ્હી હતા અને આજે પરત આવી ગયા છે.