રાજકોટ શહેરમાં ઠેર-ઠેર પડેલા ખાડાને લઈને હાલમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મેયરને આ માટે અભિનંદન આપીને કટાક્ષભર્યો વિરોધ કરવામાં આવનાર હતો. જોકે, મેયર હાજર નહીં હોવાથી ‘આપ’ કાર્યકરોએ થાળીઓ વગાડી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીનાં શહેર પ્રમુખ દિનેશ જોશી દ્વારા રાજકોટનાં રસ્તાની હાલત અંગે કટાક્ષ વ્યક્ત કરતા જણાવાયું હતું કે, શહેરમાં નદીનાં દર્શન કરવા બદલ આભાર. જોકે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને ભાજપનો ખેસ પહેરવાનું કહી પોતાનો ખેસ પહેરાવવા પ્રયાસ તેમણે કર્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.
અટકાયત પૂર્વે દિનેશ જોશીએ જણાવ્યું હતું કે ભાજપ અને રાજકોટના મેયર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આજે મારી રજૂઆત મેયરની સારી કામગીરીને અનુલક્ષીને છે. રાજકોટમાં મેયરે નદીના દર્શન કરાવ્યા છે. અમે એને બિરદાવવા માટે આવ્યા છીએ. એક પણ ખાબોચિયું, એક પણ ખાડો જો ભાજપના રાજમાં હોય તો અમને બતાવો. કોઈ લોકોના વાહન નથી તૂટતા, કોઈના હાડકા નથી તૂટતા. રાજકોટની પ્રજાએ મેયરને ખોબલે ખોબલે મત આપ્યા છે.