રાજકોટ TRP અગ્નિકાંડ મામલે આજ રોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓને યોગ્ય સમય આપવા તેમજ મનપાની ખુદની મિલકતોમાં ફાયર NOC નથી તો ત્યાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બાદમાં કોર્પોરેશન ચોક ખાતે રસ્તા ઉપર ઊતરી આવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે આપ અને કોંગ્રેસ બંને દ્વારા રજૂઆત કરી મનપાની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં નહિ આવે તો મનપા કચેરીને તાળાબંધી કરી સીલ મારવા ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ 25.05.2024ના રોજ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ હાઈકોર્ટે સુઓમોટો લેતા રાજકોટ શહેરમાં સોસાયટીના કોમ્યુનિટી હોલ, સમાજની વાડીઓ, ટ્યૂશન કલાસીસ, શાળા, કોલેજોમાં અને કોર્મશિયલ બિલ્ડિંગોમાં રાજકોટ કોર્પોરેશન આડેધડ કંઈપણ સાંભળ્યા વિના તેમજ દસ્તાવેજી પુરાવા અંગે સમય આપ્યા વિના મિલકતો સીલ કરે છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સમય આપવામાં આવે એવી અમારી માગ છે.