રાજકોટ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીના આધારકાર્ડ કેન્દ્રોમાં ફરજ બજાવતા ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવાતા આધારકાર્ડની કામગીરીમાં ભારે અંધાધૂંધી સર્જાઇ છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવા શહેર કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં આધારકેન્દ્ર લોકોની પીડાનું કેન્દ્ર અને નિરાધાર બન્યું છે. મહાનગરપાલિકામાં નવું આધાર કેન્દ્ર બનતા તત્કાલીન મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે હવે લોકોને આધારકાર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકાની લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને વધુ ઓપરેટરો સાથે નવસર્જન કર્યું છે. પરંતુ આધારકેન્દ્ર વારંવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોને પીડા આપતું નિરાધાર કેન્દ્ર બન્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 ઓપરેટરોને દિવાળી પહેલા સસ્પેન્ડ કરાયા બાદ તેમના સ્થાને નવા ઓપરેટરોની નિમણૂક ન કરાતાં લોકોને ચાર-ચાર દિવસે પણ આધારકાર્ડની કામગીરી પૂર્ણ થતી નથી અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. રાજકોટ શહેરમાં બેન્ક, મનપા, પોસ્ટ ઓફિસ સહિત કુલ 25 જગ્યાએ આધારકાર્ડની કામગીરી ચાલુ છે. પરંતુ શહેર-જિલ્લાની વસતી જોતા આ 25 આધારકેન્દ્રો અપૂરતા છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો, તમામ વોર્ડ ઓફિસ, તમામ સરકારી કચેરીઓમાં આધાર કેન્દ્રો શરૂ કરવા અને ઓપરેટરોની ભરતી કરવા રજૂઆત કરી હતી.