રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલા વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રોમાં માત્ર બે જ મહિનામાં ધાંધિયા થવા લાગ્યા છે. 1 એપ્રિલ, 2025થી શહેરના કુલ 18 વોર્ડમાં આધાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં જ ત્રણ કેન્દ્ર બંધ થતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ વોર્ડ નંબર 3 અને 16ના આધાર કેન્દ્ર ઓપરેટરો સસ્પેન્ડ થતાં તે બંધ થયા હતા, અને હવે વોર્ડ નંબર 12 (મવડી ચોકડી)નું આધાર કેન્દ્ર પણ યાંત્રિક ખામીને કારણે બંધ કરવાની ફરજ પડી છે. જોકે મેયરે ટૂંક સમયમાં કામગીરી પૂર્વવત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા હોવાનો બચાવ કર્યો છે.
ત્રણ કેન્દ્રો બંધ, નાગરિકો પરેશાન મહાપાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, વોર્ડ નંબર 12 (મવડી ચોકડી)ના આધાર કેન્દ્ર પર ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેને કારણે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રની કામગીરી કિટ પુન: કાર્યરત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
વોર્ડ નંબર 12ના નાગરિકોને આધાર સંબંધિત કામગીરી માટે નજીકની વોર્ડ ઓફિસ નંબર 11 (નાનામવા સર્કલ, મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં) તેમજ પશ્ચિમ ઝોન કચેરી (હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, 150 ફૂટ રિંગ રોડ પાસે)નો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત વોર્ડ નંબર 3 અને 16ના ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નંબર 12માં ટેક્નિકલ ખામીના કારણે કામગીરી હાલ બંધ છે. ઘરઆંગણે શરૂ થયેલી આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતા ફરીથી લોકોને ઝોન ઓફિસના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. તાત્કાલિક કામગીરી પૂર્વવત કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.